‘૨૭ માર્ચ-વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે નડિયાદની ૮૪ વર્ષ જુની-જાણીતી નાટય સંસ્થા “નડિયાદ કલામંદિર’ ખાતે ‘ગુજરાત દર્પણ’-અમેરિકા, મોરલીધર પ્રેસ પ્રા.લિ.નડીઆદ ના સંયુકત ઉપક્રમે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદના માનદ્ નિયામકશ્રી ડૉ. આર.પી.પટેલ, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી નૃપેશ બી. શાહ (મોરલીઘર પ્રેસ પ્રા.લિ.નડીઆદ) અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ (કેનેડા)ની ઉપસ્થિતિમાં કાર્યકારી પ્રમુખશ્રી દિપક શાહ અને મંત્રી સતીષભાઈ દવેના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુ. મેઘના પટેલ (ઓમ ડાન્સ એકેડેમી)ના કલાકારોએ પ્રાર્થના ગીત રજુ કર્યુ હતુ. ત્યારબાદ નડિયાદના ચાર કલાકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં સુશ્રી ઉષા ઢેબર(પંડયા), નિલય પંડયા અને કિશોરી શાહને કલાક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપવા બદલ ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરાયા, જયારે એકટર-ડિરેકટર-પ્રોડયુસર મનોજ ટી. રાવને ‘ચરોતર સ્ટાર એવોર્ડ’ થી મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. ઉપરાંત સંસ્થાના કલાકાર અને બોર્ડ ડીરેક્ટર પ્રણવ સાગરને ખેડા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિયુકિત કરાતા તેઓનું પણ મહાનુભાવોના હસ્તે નડિયાદ કલામંદિર વતી સન્માન કરાયું હતું.
આ પ્રસંગની ઉજવણીના ભાગ રૂપે દિપક શાહ દિગ્દર્શિત-એકાંકી નાટક ‘ગાંડો-ઘેલો-ગામડીયો’ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં કુ. મેઘના શાહ, કાનન કોઠારી, હિતાર્થ બુવારિયા, નૃપેશ શાહ, મયુર ચૌહાણ, પ્રણવ સાગર, દિપક શાહ અને સુરેશ સોઢાએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા. પ્રાસંગિક ઉદ્બોધન ડૉ. આર.પી.પટેલ અને ઘનશ્યામભાઈ પટેલે વિશ્વ રંગભૂમિ વિશે રસપ્રદ વાતો સૌની સમક્ષ રજુ કરી માહિતી આપી હતી.
કલાપ્રવૃત્તિને વેગ મળે તે સારુ ડૉ. આર.પી.પટેલે સંસ્થાને પાંચ હજારનું અનુદાન જાહેર કર્યુ હતું. જયારે ઘનશ્યામભાઈ પટેલ, નરેન્દ્રભાઈ નકુમ, નૃપેશ શાહ, નીલય પંડયા, રાજુભાઈ પટેલે આર્થિક સહયોગ આપ્યો હતો. ‘વિશ્વ રંગભૂમિ દિન’ની ઉજવણીને સફળ બનાવવા ‘ગુજરાત દર્પણ’-અમેરિકા, મોરલીઘર પ્રેસ પ્રા.લિ. નડિયાદ,’અવર ઑન ગુજરાતી સિનીયર સિટીઝન ફ્રેન્ડસ સર્કલ, રેગીના-એસ.કે-કેનેડા’, સ્નેક્ષિકો (ઉત્તરસંડા), યોગી ટ્રેડર્સ એન્ડ ચશ્મા (નડિયાદ)નો આર્થિક સહયોગ સાંપડયો હતો. મોટી સંખ્યામાં કલારસિકો, આમંત્રિતો, શહેરના અગ્રણીઓ કલાકાર-
પરિવારજનો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કાનન કોઠારી અને સુરેશ સોઢાએ કર્યુ હતું.
સમગ્ર પ્રસંગને કેમેરામાં રીન્કેશ દવેએ કંડાર્યુ હતું. જયારે ધૂપેશ સોલંકી, રોશન દવે, હિતેશ દવેએ ખડેપગે સેવાઓ બજાવી હતી. આભારવિધિ હેમંતભાઈ વ્યાસે કરી હતી.
(રિપોર્ટર, ફરહીન
બહાદરપુરવાલા, આણંદ)