ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ રહી છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલ છે તે ઘણા સમય થી લોકોના જીવનું જોખમ ઊભું કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેનો તાજો નમૂનો આજરોજ જોવા મળ્યો હતો જેમાં નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસ.ટી બસએ પુર ઝડપે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી ફંગોળાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
બનાવની મળતી માહિતી પ્રમાણે આજરોજ એસ.ટી નિગમની બસ મુસાફરો સાથે નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફ થી ભરૂચ તરફ પસાર થઈ રહી હતી તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારી હતી તે બાદ કાર ચાલકે વાહન પરનું કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ચઢી જવા પામી હતી અને સ્ટીલાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત નો આ બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ પર ભરૂચ તરફ ટ્રાફિકજામમાં વાહન ચાલકો અટવાયા હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતમાં એક તબક્કે એસ.ટી માં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા.