- ભરૂચ લોકસભા ચૂંટણી ભાજપ પ્રબંધન સમિતિની બેઠક મળી
- રાજ્યની 182 બેઠકો પર 10મી એ વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન
ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુરૂવારે બપોરે મળી હતી.
ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.
ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના સંગઠનના હોદેદારો, કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે 26 બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો. જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
આજે ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા, 7 વિધાનસભાના નિયુક્ત હોદેદારો, સંયોજકો, કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓનો નિયુક્તિ, જવાબદારી, પ્રવાસ, સંકલન, વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન અપાયું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આગામી 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન 182 બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી. સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી.
બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ સહિત સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, આગેવાનો કાર્યકરો હાજર રહ્યાં હતાં.