રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા તથા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પણ વાલિયા તાલુકાના મોખડી ગામે આવેલી પ્રાથમિક શાળામાં વરવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. શાળામાં પીવાના પાણીની સુવિધા નહીં હોવાથી છાત્રાઓ ગામમાં અન્ય સ્થળેથી બેડામાં પાણી લાવવા મજબૂર બની છે. બીજી તરફ આચાર્ય મનસ્વી વર્તન કરતાં હોવાના આક્ષેપ સાથે વાલીઓએ પણ ભરૂચના અધિક કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે.આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલિયા તાલુકાની મોખડી ગામની શાળાનો એક વીડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં શાળાની બે વિદ્યાર્થીનીઓ મોટા બેડામાં પાણી ભરીને શાળામાં લઇ જઇ રહી છે અને બેડું વજનદાર હોવાથી તેઓ રસ્તામાં હાંફી જાય છે. એક તરફ પ્રાથમિક શાળાઓને અદ્યતન બનાવવાની વાતો થઇ રહી છે તો બીજી તરફ મોખડી શાળામાં માળખાકીય સુવિધાઓનો અભાવ વર્તાય રહ્યો છે. આ બાબતે આચાર્યની પ્રતિક્રિયા જાણવા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તે શક્ય ન બનતાં તેમની પ્રતિક્રિયા જાણી શકાય નથી. આચાર્યનો હુંકાર : મારી બદલી કરાવે તેને 50 હજાર આપીશ મોખડીના વાલીઓએ અધિકારીઓને આપેલાં આવેદનપત્રમાં શાળામાં 15મી ઓગસ્ટે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાળાના વહીવટ અંગે વાલીઓ રજૂઆત કરવા ગયાં ત્યારે આચાર્યએ તેમની સાથે અભદ્ર વર્તન કરી ગમેતેમ બોલ્યાં હતાં. અને આચાર્યએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, તમે મારું શું બગાડી લેવાના ? અને જે મારી બદલી કરાવી દેશે તેને હું 50 હજાર રૂપિયા આપીશ.
શિક્ષણની વરવી વાસ્તવિકતા, શિક્ષાને બદલે વિદ્યાર્થિનીઓ પાણીના બેડાં ઉંચકવા મજબૂર
Views: 120
Read Time:2 Minute, 15 Second