*આદિવાસીઓની પડખે સદા, સર્વદા ગુજરાત સરકાર*——**——- -:મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા:-# જળ, જમીન અને જંગલોની જાળવણી કરનાર સમાજ એટલે આદિવાસી સમાજ# વિકાસની મુખ્યધારામાં આદિજાતિ સમાજને લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે# શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની સગવડો ઉપલબ્ધ બનતા વન-વસુધાના રહેવાસી વનબંધુઓના જીવનમાં ઉજાશ પથરાયો છે. # વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં શરૂ કરેલ વનબંધુ કલ્યાણ યોજના(VKY) ની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ———ભરૂચ: : આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સ્વામીનારાયણ મંદિર સંકુલ,નેત્રંગ ખાતે કેબીનેટ મંત્રીશ્રી પણી, અન્ન,નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે પ્રકૃતિના સંરક્ષણ એવા આદિવાસી સમાજને યાદ કરતાં આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ,૯મી ઑગષ્ટને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” તરીકે આખું વિશ્વ ઉજવણી કરી રહ્યુ છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ વનવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણીક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય તેમજ તેઓ અન્ય સમાજની હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક્ક અપાવવા માટે સહભાગીદાર થાય એ હેતુથી ૯મી ઑગષ્ટ- મૂળ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વેળાએ તેમને જણાવ્યું હતું કે,આદિકાળથી આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક રહ્યો છે. જળ, જમીન અને જંગલોની જાળવણી કરનાર સમાજ એટલે આદિવાસી સમાજ. ગુજરાત રાજ્યએ દેશના અનુસૂચિ-૫નાં રાજ્યોમાંનું એક છે, જેમાં રાજ્યની વસ્તીના ૧૪.૭૫% વસ્તી અનુસૂચિત જનજાતિની છે. ગુજરાતમાં આદિવાસી વસ્તી મોટે ભાગે રાજ્યની પૂર્વ સરહદે આવેલા વિસ્તારમાં રહે છે.જેમાં ૫૮૮૪ ગામો છે. આદિજાતિ વિસ્તારમાં ૧૪ જિલ્લાઓ અને ૫૩ તાલુકાઓનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકાર આદિવાસી સમુદાય તથા વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેમ ઉમેરતા જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં વનબંધુ કલ્યાણ યોજના (VKY) હેઠળ 10 મદ્દુાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આદિવાસી સમુદાય અને મુખ્ય પ્રવાહના સમુદાય વચ્ચેના અંતરને દૂર કરવા માટે હાથ ધરવામાં આવેલી વ્યાપક વિકાસલક્ષી પ્રવુત્તિઓએ ગુજરાતની આદિજાતિ વસ્તીની સામાજિક-આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને આ મોડેલ અને વ્યૂહરચનાની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાયેલ છે. આદિવાસી વિસ્તારોમાં સઘન વિજળીકરણ, આરોગ્યલક્ષી સુવિધાઓ, પુરક પોષણક્ષેત્રની વિવિધ યોજનાના અસરકારક અમલીકરણને પગલે દરેક આદિવાસીઓના ઘરોમાં ઉજ્જવળ ભવિષ્યનું અજવાળું છવાયું છે.આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની સગવડો ઉપલબ્ધ બનતા તેમના જીવનમાં ઉજાશ પથરાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આદિવાસી સમાજ માટે યોજનાકિય લાભો અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે,આદિજાતિ વિસ્તારમાં સર્ગભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા “પોષણ સુધા યોજના” અમલી કરી છે. આદિજાતિ બાળકો જમવાની સુવિધા સાથે નિવાસી શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુ આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલો મળી કુલ ૮૩૮ જેટલી શાળાઓના અંદાજિત ૧.૫ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૬૬૭ કરોડની માતબર રકમની જોગવાઈ કરાયેલ છે. તેમજ કુમાર-કન્યાના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના ૭૦ હજાર જેટલા વિધ્યાર્થીઓને સહાય માટે રૂ.૨૪૫ કરોડની જોગવાઈ કરેલ છે. પ્રિ- મેટ્રિક અંદાજે ૧૪ લાખ વિધ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૧૬૭ કરોડ અને ૩ લાખ જેટલા વિધ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૫૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, તેમ તેમણે જણાવ્યું હતું. ભૂતકાળની પાણીની તકલીફને દૂર કરતાં સરકારશ્રી આદિજાતિ ખેડૂતોને બારેમાસ સિંચાઈનું પાણી મળી રહે તે માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નવી બાબત હેઠળ ઉદ્વવન સિંચાઇ યોજના માટે રૂ.૭૫.૦૦ કરોડ મંજૂર કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રતિ કામ ઓછામાં ઓછા ૫૦ હેક્ટર જમીનમાં સીંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય તેવા કામો કરવાનું આયોજન હાથ ધરાયું છે.આદિજાતિ ખેડૂતોને સિંચાઇ માટે સોલર પમ્પ યોજના અંતર્ગત તેઓની જમીનમાં નવા કૂવા સાથે સોલર પેનલ સાથેની સિંચાઇ સુવિધા પૂરી પાડવા માટે રૂ. ૮૪.૦૦ કરોડના ખર્ચે કુલ ૧૦૯૦ લાભાર્થીને લાભ આપવાનું આયોજન છે. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ મહિલાઓને રોજગારી પૂરી પાડવા હેતુસર આજ દિન સુધી ૧.૪ લાખ દૂધાળા પશુઓ પૂરા પાડવામાં આવેલ છે. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧ લાખ જેટલા ખેડૂતોને ઈનપુટ કીટ સહાય માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, તેમ તેમણે જણાવ્યું છે. મંત્રીશ્રીએ ભરૂચ જિલ્લાના આદિજાતિ બંધુઓની વિગત આપતા જણાવ્યું હતું કે,૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભરૂચ જિલ્લાની વસ્તી ૧,૫૫૦,૮૨૨ ની છે, જે ગેબેન અથવા હવાઈના રાજ્યની તુલનામાં લગભગ સમાન છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા, આદિજાતિ તાલુકા છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા છે.આ વેળાએ ધારાસભ્યશ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રીના શાસનકાળ દરમિયાન આદિવાસી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે રૂ.૪૦ હજાર કરોડ જેટલી બજેટ ધરાવતી વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી તે સાચા અર્થમાં સરકારશ્રી આ સમાજ પ્રત્યે ની કટિબદ્ધતા વ્યક્ત કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં કુલ રૂ.૧૮ કરોડના ખાતમુહૂર્ત અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ લાભ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વન અધિકાર અધિનિયમ હેઠળ ૫૫૯ વન અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં અંદાજે કુલ ૫૯૩.૮૫ હેક્ટર જેટલી જમીન આદિવાસી લાભાર્થીઓને મળ્યા હતા. મંડપ યોજનાના ૧૨૦ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. માનવ ગરિમા યોજના હેઠળ ૪૧ લાભાર્થીઓને જુદી જુદી કીટ વિતરણ તથા વ્યક્તિગત ધોરણે મકાન સહાયના ૭૬ લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગ બાદ મંત્રીશ્રીએ નેત્રંગ સ્થિત ડેમોની મુલાકાત કરીને પ્રગતિ હેઠળના કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તાપી જિલ્લાના રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસના ઉજવણીને બાયસેગના માધ્યમથી ઉપસ્થિત લોકોએ નિહાળી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ,રમતવીરો,કલાકારોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ મંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી સમાજ પ્રત્યે કટિબદ્ધ છે માટે જિલ્લાના નાગરિકોના સર્વાગી વિકાસ માટે તમામ યોજકિય લાભો પહોચવડામાં જિલ્લા વહીવટીતંત્રએ કટિબદ્ધતા દર્શાવી છે,તેમ તેમણે જણાવ્યું હતું.તથા આભારવિધી પ્રયોજના વહીવટદાર શ્રી વી જી પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી ,જિલ્લા અગ્રણી મારૂટિસિંહ અટોદરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, તથા તાલુકા પંચાયત પ્રમુખ સર્વે શ્રીમતી રીનાબેન વસાવા, શ્રીમતી લીલાબેન વસાવા, શ્રી સેવંતુભાઈ વસાવા સહિત પદાધિકારીઓ,અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.-૦-૦-૦-
વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નેત્રંગ ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો
Views: 91
Read Time:11 Minute, 20 Second