ભરૂચ શહેરના બાયપાસ અને ચોકડીઓ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે 6 દિવસથી ચાલતી પોલીસની ડ્રાઈવમાં 558 વાહનચાલકોને ટ્રાફિકના પાઠ ભણાવી શિક્ષારૂપે ₹2.97 લાખનો દંડ વસુલ કરાયો છે. ચોમાસા સાથે ભરૂચ શહેરમાં ઝાડેશ્વર, નર્મદા, જંબુસર ચોકડી, દહેજ બાયપાસ, શ્રવણ ચોકડી ઉપર ટ્રાફિકજામની સમસ્યા ઘેરી બની રહી હતી. જેને હલ કરી વાહનચાલકો અને લોકોની સગવડતા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા ટ્રાફિકના સુચારુ સંચાલન માટે કવાયત હાથ ધરાઈ હતી.ભરૂચ જિલ્લા અને શહેર ટ્રાફિક પોલીસ, એ, બી અને સી ડિવિઝનના અધિકારીઓ અને સ્ટાફ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં વિવિધ સ્પોટ અને ચોકડીઓ પર ગોઠવાઈ ગયો હતો. વરસાદના કારણે માર્ગો પર પડેલા ખાડો પોલીસે જાતે પુર્યા બાદ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવાનું શરૂ કરાયું હતું. ટ્રાફિક સમસ્યાને બળ આપતા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો, જ્યાં ત્યાં આડેધડ વાહન પાર્કિંગ, ઓવરલોડ પેસેન્જર, સીટ બેલ્ટ, લાયસન્સ, પીયૂસી, ફેન્સી નંબર પ્લેટ સહિતના કાયદાનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરાઈ હતી.ભરૂચ જિલ્લા ટ્રાફિક પી.આઈ. એસ.કે. ગામીતે ડ્રાઈવ અંગે માહિતી આપી હતી કે, 13 થી 18 જુલાઈ 6 દિવસમાં 558 વાહન ચાલકોને પકડી ₹2.97 લાખનો દંડ કરાયો છે. જેમાં 104 વાહનો ડિટેઇન કરાયા છે. આડેધડ ઉભી રાખતી 6 લકઝરી બસને પણ કાયદાના સાણસામાં લેવાઈ છે. રોંગ સાઈડ આવતા 19 વાહનો સામે કાર્યવાહી કરાઈ છે. ઓવર સ્પીડ બદલ 44 કેસોમાં દંડનીય કામગીરી કરાઈ છે. રોફ જમાવવા મોડીફાઇડ કરાયેલા બુલેટ ચાલકો પણ પોલીસની રડારમાંથી બચી શક્યા નથી. બાકી અન્ય 405 કેસોમાં સીટ બેલ્ટ, લાયસન્સ, પીયૂસી વગરના, વધુ પેસેન્જર બેસાડતા, ટ્રાફિકને અડચણરૂપ, ફેન્સી નંબર પ્લેટ, ટ્રાફિક નિયમોના ભંગના કરાયા છે.
પોલીસની ટ્રાફિક ડ્રાઈવ:ભરૂચની ચોકડીઓ અને બાયપાસને ચેતનવંતા રાખવા પોલીસની ટ્રાફિક સેન્સ & મેનેજમેન્ટ ડ્રાઈવ યોજાઇ
Views: 193
Read Time:2 Minute, 39 Second