નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ખાતે ફરવા આવેલા ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યના કરજણ નદીમાં ડૂબી જતાં મોત થયા છે, જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં નાહવા માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના પ્રવાસીઓ આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્ય માંડણ ગામમાં ફરવા આવ્યા હતા. ગરમીથી રાહત મેળવવા તેઓ કરજણ નદીમાં નાહવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગતાં એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.
રાજપીપળા નગરપાલિકા અને નર્મદા પોલીસે એક મૃતદેહ શોધ્યો હતો. ત્યાર બાદ આજે સવારે વડોદરાથી SDRFની ટીમ પહોંચી ગઇ હતી અને અન્ય 4 મૃતદેહ શોધી કાઢ્યા હતા.ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિંહ પરમાર (ઉં.35), જીગનિશાબેન જનકસિંહ પરમાર(ઉં.32), પૂર્વરાજ જનકસિંહ પરમાર (ઉં.08), વીરપાલસિહ પરબતસિંહ ચૌહાણ (ઉં.વ 27) તથા ખુશીબેન/સંગીતાબેન વીરપાલસિંહ ચૌહાણ(ઉં.વ 24)નાં નદીમાં ડૂબી જવાથી મોત થયાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઇ હતી અને તમામના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.