ભરૂચની લેબર કમિશ્નર કચેરીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં એક પટાવાળાએ કચેરીમાં આવતાં લેબર કોન્ટ્રાક્ટરોને ભોળવી તેમના રૂપિયા તે ભરી દેશે કહીં 41 કોન્ટ્રાક્ટરો પાસેથી કુલ 22.11 લાખ ઉઘરાવી લીધાં હતાં. બાદમાં લેબર કોન્ટ્રાક્ટરોને બોગસ સિક્કાવાળા ચલણ આપી તેમને લાયસન્સ અપાવી દીધાં હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને લઇને મદદનીશ લેબર કમિશ્નરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ભરૂચ શહેરની બહુમાળી બિલ્ડીંગ ખાતે આવેલી લેબર કમિશ્નર કચેરી ખાતે છેલ્લાં પાંચ વર્ષથી બિપીન રમેશ વસાવા આઉટ સોર્સિંગ પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ફરજ દરમિયાન તેણે કચેરીમાં લાયસન્સ કઢાવવા આવતાં લેબર કોન્ટ્રાક્ટરો સાથે ઘરાબો કેળવી તેમનું લાયસન્સ કઢાવી આપવાનું જણાવ્યું હતુ઼ં.ઉપરાંત કોન્ટ્રાક્ટમાં કામ કરનારા કામદારોની સંખ્યા મુજબ તેમની પાસેથી ચલણ ભરવાના રૂપિયા મેળવી તે જમા કરાવી દેશે તેવું આશ્વાસન આપી 41 લેબર કોન્ટ્રાક્ટરો પાસેથી કુલ 4100થી વધુ શ્રમજીવીઓના કુલ 22.11 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતાં. તેમજ તેમને સહિં સિક્કાવાળા રૂપિયા ભર્યાના ચલણ પધરાવી દીધાં હતાં. દરમિયાનમાં લેબર કમિશ્નર કચેરીના મદદનીશ લેબર કમિશ્નર જયેશ અમૃતલાલ મકવાણાના ધ્યાનમાં મામલો આવતાં તેમણે તપાસ કરાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તેમણે તુરંત ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્યૂનને 41 લેબર કોન્ટ્રાક્ટરોના 22 લાખ ઓહિયાં; લેબર કોન્ટ્રાક્ટરોને બોગસ સિક્કાવાળા ચલણ આપી લાયસન્સ અપાવી રૂપિયા ઉઘરાવ્યાં
Views: 79
Read Time:2 Minute, 2 Second