ભરૂચના કુકરવાડા-વેજલપુરના નર્મદા નદી કિનારેથી ગત રવિવારે રાત્રીના સમયે સ્થાનિકોએ રેતી ભરેલી 15 ટ્રકો અને બે હિટાચી મશીન ઝડપી પાડ્યાં હતાં. માછીમાર સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાડભૂત ખાતે નિર્માણ પામી રહેલાં બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે રેતી ઉલેચવાની અને અન્ય સ્થળે વહન કરી જવામાં આવી રહી છે. જેના પગલે ભરૂચના ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી.ટીમે જીપીએસ કોર્ડિનેટથી માપણી કરવા સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું હતું. જેના આધારે તપાસમાં જો કોન્ટ્રાક્ટર કસુરવાર જણાશે તો તેને નોટીસ બજાવવા સાથે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ ખાણખનીજ વિભાગે જણાવ્યું હતું.ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ભાડભૂત રિવર કમ કોઝ વેની કામગીરી ચાલી રહી છે. તેની સાથે સાથે ભાડભૂતથી શહેરના ગોલ્ડનબ્રીજ સુધીના નર્મદા નદી કિનારેના 22 કીમીના પટ્ટા પર રિવર ફ્રન્ટ તેમજ તેની બન્ને તરફ વાહનોની અવર-જવર થઇ શકે તેવા રોડનું નિર્માણ થશે. જેના માટે સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પણ પુર્ણ કરી દેવાઇ છે.દરમિયાનમાં ગત રવિવારે રાત્રીના સમયે શહેરના કુકરવાડાના નર્મદા કિનારે ગેરકાયદે રીતે રેતી ઉલેચી ટ્રકોમાં વહન કરી જવાતી હોવાની બાતમીને આધારે માછીમાર સમાજના આગેવાનો તેમજ સ્થાનિકોએ સ્થળ પર દોડી આવી 15થી વધુ ટ્રકો તેમજ રેતી ઉલેચવા માટેના 2 હિટાચી મશીનોને અટકાવી હતી.રેતી વહન કરવાનો કારસો ભાડભૂત બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોન દ્વારા કરાઇ રહ્યું હોવાનું તેમજ ટ્રક ચાલકો પાસે રેતીના વહન માટેના પાસપરમીટ પણ ન હોવાનું જણાતાં માછીમાર સમાજના આગેવાનોએ ભરૂચ કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ તેમજ રાજ્યકક્ષાના સચિવને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ભરુચ ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ તપાસ શરૂ કરી હતી. ખાણખનીજ વિભાગે જણાવ્યું હતું કે, જે જગ્યાએ રેતી ઉલેચાઇ હતી ત્યાં જીપીએસ કોર્ડીનેટની મદદથી માપણી કરવા સાથે પંચ રોજકામ કરાવ્યું હતું.
કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન થતાં ભુસ્તર વિભાગની GPS માપણી
Views: 94
Read Time:3 Minute, 0 Second