પોલીસ ભરતીને લઈને હાલમાં શારિરીક કસોટી ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શારીરિક કસોટીના કોલ લેટરમાં છેડછાડ કરનાર 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી યોજાઈ હતી. જેમાં વહેલી સવારે દોડ લગાવવા માટે 5 ઉમેદવારોએ તેમની પાસે રહેલા સાચા કોલ લેટરની સાથે સવારે છ વાગ્યાનો દોડનો સમય લખીને બોગસ કોલ લેટર બનાવી ગ્રાઉન્ડ ઉપર દોડવા આવેલા 5 ઉમેદવારોનો ભાંડો ફૂંટ્યો હતો.
આ 5 શખસ વિરુદ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ચેકિંગ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટતા ખોટા કોલલેટર બનાવી અને પરીક્ષા આપનાર પાંચેય આરોપીની અટકાયત કરાઈ છે.
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, શારીરિક કસોટી સમયે કોલલેટરમાં જણાવેલી સૂચના પ્રમાણે પ્રવેશ અપાઈ રહ્યો હતો તે દરમિયાન એક ઉમેદવાર પાસેથી બે કોલ લેટર મળી આવ્યા હતા.જેમાં એક કોલ લેટરમાં 6 વાગ્યાનો સમય લખ્યો હતો તથા બીજા કોલ લેટરમાં 8 વાગ્યાનો સમય હતો. જેથી તેમાં ગેરરીતી થઈ હોવાની શંકા જતા જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ આ રીતે કુલ 5 આરોપીઓએ કોલ લેટર સાથે છેડછાડ કર્યા હોવાનું સામે આવતા સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા.