વાગરા તાલુકાના દહેજ પટ્ટી પર આવેલા ગામોમાં પાણીની વર્ષોથી વિકટ પરસ્થિતિ છે. પાદરીયા અને પણીયાદરા ગામમાં પાણી પુરવઠા તરફથી પાણીના ટેન્કર ફાળવવામાં આવતા હતા. જો કે યુપીએલ કંપનીના આવ્યા બાદ કંપની દ્વારા સી આર સી ફંડમાં થી નાણાં ફાળવી પાણી પાઇપ લાઇન નાખી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. જો કે કંપનીનું નિર્માણ કાર્ય પૂર્ણતા ના આડે છે ત્યારે પાઇપ લાઈનનું કામ ખોરંભે ચઢતા ગ્રામજનો વિફર્યા છે. પાદરીયા અને પણીયાદરા ગામમાં પાણીની વિકટ સમસ્યા દૂર થવાની આશાએ ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જો કે પાણી પુરવઠા દ્વારા ટેન્કર પણ બંધ કરી દેવામાં આવતા બંને ગામ પાણી વિહોણા થયા છે. અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિવારણ ન આવતા આખરે બંને ગામના ગ્રામજનોએ આંદોલનનાં મંડાણ કર્યા છે. અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ યુપીએલ કંપનીની ઘેરાબંધી કરી છે. પુરુષ અને મહિલાઓ કંપનીની બહાર ધરણાં પર બેસી ગયા છે અને કંપની પાસે પાઇપલાઇન ની માંગ કરી રહ્યા છે. કંપની માલિકોએ ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે આંદોલન ના માર્ગ પર નાના, મોટા સૌકોઈ ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ એ જ્યાં સુધી માંગ નહિ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલિસ દ્વારા હળવો લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલ છોડાયા..