કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી
4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી મારી નાંખી, લાશ છેક બીજા દિવસે સાંજે લઈ જઈ બાળી
સ્વીટીની બાજુમાં તેનું બાળક ઊંઘતુ હતું છતાં મર્ડર કર્યું, ગાડીમાં લાશ મૂકીને સાળાને ફોન કરી સ્વીટી ગુમ થયાનું કહ્યું
કરજણ ટોલનાકાએ CCTVમાં PIની દેખાયેલી કાર, લાશ મળી એ સ્થળે તેમના મોબાઈલ લોકેશને શંકાને વધુ ઘેરી બનાવી
વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ ભેદ ઉકેલી દીધો
વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે. આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.
અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.
4 જૂનની રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયોકરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું.અટાલી સ્થિત મિત્રની બંધ હોટલમાં લાશ સળગાવીસ્વીટીની હત્યા બાદ લાશને કમ્પાસ ઝીપમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ સ્વીટીને શોધવા આવેલા ભાઈને પીઆઈએ કીધું કે હું સ્વીટીને શોધવા જાઉં છું. બીજા દિવસે સ્વીટીની લાશ પોતાના ઘરેથી 49 કિલો મીટર દૂર આવેલી કિરીટસિંહ જાડેજાની અટાલી સ્થિત બંધ હાલતમાં રહેલી હોટલમાં લઈ જવાઇ હતી. જ્યાં પુંઠ્ઠા લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હતી.
આરોપી અજય દેસાઈએ બે વર્ષમાં બે લગ્ન કર્યા હતા
PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.બંધ હોટલના માલિક કિરીટસિંહની ધરપકડ થશે.
હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.
વડોદરા જિલ્લા પોલીસ અંધારામાં ગોળીબાર કરતી રહી .
થોડા દિવસમાં જ આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી.ચૂડાસમાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા સ્વીટી પટેલ ગુમ થવાની તપાસ હાથમા લેતા માત્ર ચાર દિવસની અંદરજ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો હતો.