- દયાદરા ગામની પરિણીતાને પતિએ ૩ તલાક આપી તરછોડી મુકતા મહિલાએ ખખડાવ્યા પોલીસના દ્વાર..
- આવેશમાં આવેલા પતિએ પત્નીને ૩ તલાક આપી કહ્યું જો આ અંગે પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશ…!
- ભયભીત થયેલી પત્નિએ પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતી અરજી પાઠવી ન્યાયની માંગ કરી..
- આવેશમાં આવી આવું કૃત્ય કરતા તત્વોને પોલીસ કાયદાનો પાઠ ભરાવી ઠેકાણે પાડે એ જરૂરી બન્યું છે..
ભરૂચ જિલ્લામાંથી વધુ એક ત્રિપલ તલાકના કિસ્સાની ઘટના સપાટીએ આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે પતિએ પત્નીને કહ્યું તને ૩ વાર તલાક નહિ પરંતુ ૧૦૦ વાર તલાક આપુ છું તેમ કહી માર માર્યો હતો બનાવને પગલે પત્નીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરતી અરજી પાઠવી યોગ્ય ન્યાયની માંગ કરી છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ હલીમાં ઐયુબ કોળાના લગ્ન મુસ્લિમ રીત રિવાજ મુજબ તારીખ ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ કંથારિયાના ઇનામુલ મેહબૂબ પટેલ સાથે થયા હતા લગ્ન બાદ ૧૫ દિવસ સુધી તેઓનું લગ્ન જીવન તેઓ સારી રીતે જીવી રહ્યા હતા.
અરજીમાં જણાવ્યા અનુસાર લગ્નના ૧૫ દિવસ બાદ પતિ ઇનામુલ પોતાની પત્નિ હલીમાંને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો અને કહેતો હતો કે મે તારા સાથે ખોટા લગ્ન કર્યા છે. તારા કરતા પણ સારી છોકરી મને મળી જાત તેમ કહી તે પત્નીને માર મારતો હતો જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં ઉમેરાયું છે કે પતિ ઈનામુલના ફોઈ તેને વારંવાર કહેતા હતા કે તું આને તલાક આપી દે આનાથી સારી છોકરી મેં તારા માટે સોધી રાખી છે. તેમ કહી તેઓ પત્ની ઉપર ત્રાસ ગુજારતા હતા. અને પતિ ઈનામૂલ કહેતો હતો કે તારા બાપએ મારા સ્ટેટ્સ પ્રમાણે દહેજ નથી આપ્યું અને જો તારે હવે મારા સાથે રેહવુ હોઈ તો ૧૦ લાખ રૂપિયા તારા બાપ પાસેથી લઈને આવ તેવા પણ સનસની ખેજ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. વધુમાં હલિમાંને ૫ મહિનાનું ગર્ભ રહી જતા તેના પતિ અને તેની માતા તેમજ ફોઈ વારંવાર ગર્ભ પરાવી દેવા હેરાન કરતા હોવાની વાત પણ અરજીમાં ઉલ્લેખાઈ છે.
ઘટના અંગે વધુ ઊંડાણમાં નજર નાખીએ તો પતિ ઇનામુલે ખાનગી મહિલા ટ્રસ્ટમાં પોતાની પત્ની હલીમાં સાથે છૂટાછેડા લેવા માટે પણ અરજી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના આધારે હલીમાને ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૨ ના રોજ મહિલા ટ્રસ્ટ ખાતે બોલાવવામાં આવી હતી.જ્યાં ઇનામૂલ તેમજ તેના પિતા મેહબૂબ તેની માતા ફરજાના અને આરીફ તેમજ ઇનામુલના ફોઈ ફાતેમાબેન ત્યાં હાજર હતા. ત્યાં એકાએક ઇનામુલ તેમજ તેના પિતા માતા અને આરીફ અને તેના ફોઈ ઉશ્કેરાઈ જઈ હલિમાને મારમારવા લાગ્યા હતા. અને હલીમાના કાકા સસરાને તેને પેટના ભાગે લાત મારી દીધી હતી. ત્યાંતો પતિ ઇનામુલએ એકાએક આવેશમાં આવી જઇ પત્ની હલીમાને એક સાથે ૩ વાર તલાક, તલાક, તલાક કહી પોતાના લગ્ન જીવનમાંથી કાઢી મુકવાની ગુહાર લગાવી હતી. વાત આટલે સીમિત ન રહેતા વધુમાં તેણે કહ્યું હતું કે તને ૩ વાર નહિ પણ ૧૦૦ વાર તલાક આપૂ છું તેમ કહી પત્નીને તરછોડી ગંભીર કૃત્ય કર્યું હતું.
પોતાના લગ્ન જીવનમાંથી કાઢી મુક્યા પછી પણ પતિનો ગુસ્સો શાંત ન પડ્યો અને વધુ એક કારસ્તાન કરી નાખ્યું હતું. પતિએ પત્નીને તલાક આપ્યા બાદ તેને ધમકી આપી હતી કે જો તે આ અંગે ફરિયાદ નોંધાવી તો તને જાનથી મારી નાખીશ. હલીમાને પેટના ભાગે લાત મારતા હલીમાને પેટમાં દુખાવો થતાં તેને તાત્કાલિક ભરૂચની પટેલ વેલફર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લામાં એકબાદ એક ત્રિપલ તલાકનો કિસ્સો સપાટી પર આવતા ટ્રિપલ તલાક પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બનાવ અંગે હલીમાએ ભરૂચ મહિલા પોલીસ મથકના દ્વાર ખખડાવી ફરિયાદ આપતી અરજી આપી પોતાની આપવીતી દર્શાવી પોલીસ સમક્ષ ન્યાની ગુહાર લગાવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા બેફામ બનેલા તત્વો સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભરાવે છે કે કેમ તે જોવું રહ્યું..