વેલ્સપન કંપનીએ વર્ક ટુ હોમના આદેશ કરતા કર્મીઓમાં ફફડાટ
કોરોના કહેરમાં એક તરફ લોકોની જિંદગી ડામાડોળ થઈ છે તેવા સમયમાં ભરૂચના વડદલા ખાતે આવેલી વેલ્સપન કમ્પનીએ સાગમટે અંદાઝે 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમનો આદેશ કરતા કર્મચારીઓના માથે કમ્પની બંધ થવાની દહેશતથી ચિંતાના વાદળો ઘેરાયા છે. કમ્પની કર્મચારીઓએ આજરોજ જોલવા ખાતે મિટિંગ કરી સ્થાનિક આગેવાનો ને તેમની મદદે આવવા હાકલ કરી હતી.
કોરોના કહેરના કારણે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઈ છે. જેમાં ઉદ્યોગોને પણ વેઠવાનો વારો આવ્યો છે. ઘણી કમ્પનીઓ કામદારોની છટણી કરવા ઉપરાંત ઉત્પાદન ઘટાડી આર્થિક કટોકટી સામે ઝઝૂમવાના પ્રયાસ કર્યા છે. તો કેટલાય ઉદ્યોગો બંધ કરવાની નોબત આવી છે. જેની સીધી અસર કર્મચારીઓના જીવન ધોરણ પર પણ ઉભી થઇ છે.
વાગરાના વડદલા ખાતે આવેલી વેલ્સપન કમ્પનીએ તેના 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમનો આદેશ કરતા કર્મચારીઓમાં બેરોજગારીનો ભય ઉભો થયો છે. વડદલા સ્થિત વેલ્સપન કમ્પની ઓઈલ, પાણી અને ગેસ વહન માટેની સ્ટીલ પાઇપ બનાવે છે.
કમ્પની બંધ થાય તો આપણું શુ તેવી દહેશત વચ્ચે આજરોજ કમ્પની કર્મચારીઓએ જોલવા ખાતે મિટિંગ કરી હતી. જેમાં કમ્પની આગામી દિવસોમાં તેમના પગાર ન કરે અથવા બીજા રાજ્યોમાં બદલી કરી દે તેવો ભય વ્યક્ત કરી કર્મચારીઓએ સ્થાનિક આગેવાનોને તેમની પડખે ઉભા રહેવા અપીલ કરી હતી.
વેલ્સપન કમ્પનીના પી.આર.ઓ. પરિમલસિંહ રણાએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમ ના આદેશો અપાયા હોવાનું જણાવી કમ્પની ચાલવા સામે શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે કમ્પની મેનેજમેન્ટની વાટાઘાટો કરાવી યોગ્ય નિર્ણય લઈશું.