SOUમાં વર્ષોથી કામ કરતા ગાઈડને છૂટો કરી દેવાતા પોલીસમાં રજૂઆત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિકોને રોજગારીની પ્રાથમિકતા તેવી વાતો વચ્ચે રેગ્યુલર અને નિષ્ઠા પુર્વક કામ કરતા હોવા છતાં કેટલાક અધિકારીઓ પરીક્ષાના નામે વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યાં છે. ત્યારે લીમડી ગામના છેલ્લા 4 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકે કાર્યરત યુવાનને નોકરી પરથી કોઈ પણ કારણ વગર છૂટો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
છુટા કરાયેલા ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટર પર પોતાને કારણ વગર છુટો કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. છ મહિનાથી નોકરી છીનવી ત્રાસી જતાં ગાઇડે ના છૂટકે ડે. કલેકટર સામે પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. લીમડી ગામના રહીશ અને નર્મદા ડેમ sou માં જમીનો ગુમાવનાર પરિવારના શિક્ષિત દીકરા ઉક્કડ ચંપકભાઈ તડવી છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા ડેમ પર ગાઈડ તરીકે નોકરી કરતો હતો, બાદ વર્ષ 2018 માં એને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકે મુકાયો હતો.ઉક્કડ તડવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હમેશા વિવીઆઈપી ટ્યુરિસ્ટોને જ ગાઈડ કરતો હતો.
ઉક્કડ તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઈડોનું સંચાલન કરતા ડેપ્યુટી કલેકટર મયુરસિંહ પરમાર દ્વારા અચાનક કોઈ કારણ વગર છૂટો કરી દેવામાં આવ્યો જેની સાથે જેટલા લોકોને છુટા કારવામાં આવ્યા હતા તેમને પરત લેવામાં આવ્યા પણ એક માત્ર આ યુવાનને પરત નહીં લેવાયો. આ અંગે SOUમાં ગાઈડોનો હવાલો સંભાળતા ડે. કલેકટર મયુર પરમારે જણાવ્યું હતું કે હું કોઈ ઉક્કડ તડવીને વ્યક્તિગત ઓળખતો નથી.અહીં 150 જેટલા ગાઈડ કામ કરે છે, દરેકના વ્યક્તિગત નામ હું જાણતો નથી.