મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના પોલીસ કમિશનરે ખોંખારો ખાઈને કહ્યું કે સ્થાનિક ટપોરી એટલે કે ગલીના ગુંડાથી કે ગંગસ્ટરથી કોઇએ ડરવાની જરૂર નથી. કાયદાનું રાજ છે અને કાયદો કાયદાનું કામ કરશે, કોઇ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે.
સુરતના પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળના પંદર દિવસ પૂર્ણ કરી તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ અજયકુમાર તોમરે પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું કે સુરતના કેટલાક વિસ્તારોમાં ટપોરીઓ ગલીના ગુંડા ભાઈગીરી કરતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું એ સાથે જ બે ગેંગના સૂત્રધાર અને સાગરીતને પોલીસે પકડી પાડ્યા છે. તો સૌરાષ્ટ્રની પણ એક ગેંગનો સફાયો કર્યો છે. બાકીના તમામ સ્થાનિક ગુંડાઓને પકડી પાડવાની કામગીરી હાલ ચાલી રહી છે.
તેમણે કહ્યું કે મુંબઈની ગેંગ હોય કે સૌરાષ્ટ્રની કોઈને પણ સુરતમાં પગ મૂકવા દેવામાં નહીં આવે આ માટે પોલીસ અત્યારથી જ કાર્યરત બની ચૂકી છે. સુરતીજનોને અપીલ કરતા તેમણે કહ્યું કે કોઇ પણ વ્યક્તિને આવી ગલીના ગુંડા કે ગેંગસ્ટર તરફથી તકલીફ હોય તો કોઇનાથી પણ ડરવાની જરૂર નથી, હિંમતભેર આગળ આવે, પોલીસનો સંપર્ક કરે પોલીસ તે વ્યક્તિને મદદ કરવા 24 કલાક તૈયાર છે.