ભરૂચ: ભારતની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આયોજિત દાંડીકૂચ ભરૂચ જિલ્લામાં આગળ વધી રહી છે. આ યાત્રામાં જોડાયેલા ભરૂચના યુવાન રાજેન્દ્રસિંહ ગોહિલ જણાવે છે કે, અહિંસાના માર્ગે સ્વતંત્રતા મેળવવાના નિર્ધાર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીએ તા. ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કરી આઝાદ ભારત માટેની ચળવળને વધુ મજબૂત કરી હતી. ગાંધીજીની એક હાકલ પર અનેક લોકોએ માત્રને માત્ર દેશની આઝાદીના સ્વપ્નની પૂર્તિ માટે અડગ અને અથાગ પ્રયત્નો કર્યા છે, ત્યારે ભારતને અમૂલ્ય આઝાદી મળી છે. પૂજ્ય બાપુના વિચાર અને સંકલ્પથી ત્યારે હજારો લોકો ચળવળમાં જોડાયા હતા એ જ રીતે અમે પણ આ યાદોને તાજી કરવા તેમજ ગાંધીજીએ પદયાત્રામાં જે સંઘર્ષ કર્યો એને અનુભવવા અમે દાંડીકૂચમાં પ્રત્યક્ષ જોડાયા છીએ. અમારી યાત્રા સુવિધાજનક છે, પરંતુ ૧૯૩૦માં ૮૧ પદયાત્રીઓએ કેવી મુશ્કેલી વેઠી હશે એની કલ્પના કરીએ છીએ ત્યારે આંખો ભીની થઇ જાય છે. રાજેન્દ્રસિંહ વધુમાં કહે છે કે, અમે એક પુસ્તકમાં વાંચેલું કે સતત પરિશ્રમ, થાકથી ૧૦ યાત્રીઓ બિમાર પડી ગયા હતાં, જેઓને એ સમયે સારવાર માટે ભરૂચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આવા પદયાત્રીઓ અને આઝાદીના સપૂતોની મહેનતની ફળશ્રુતિરૂપ આપણે આજે આઝાદ ભારતના નાગરિક છીએ.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે, તંત્ર દ્વારા અમારા સ્વાગત, સન્માન, ભોજન, વિશ્રામ માટે કોઈ કચાશ રાખવામાં આવી નથી.