દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ વિભાગની હદમાં આવેલ લખીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટ્રક નંબર GJ.9.AV.2635 માં કાચા યાર્નની ઓથમાં સંતાડીને લાવવામાં આવેલ વિદેશી દારૂનાં વિપુલ જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે 4 જેટલા આરોપી ની ધરપકડ કરી છે, સાથે જ 13,37,800 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ 16 લાખ 51 હજાર 600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપી (૧) શબ્બીર ઇબ્રાઇમ તાઈ રહે.મદીના પાર્ક ભરૂચ (૨) સંજય ઉર્ફે માળી ગોહિલ રહે. લખીગામ દહેજ (૩) કેવિન મગનભાઈ ગોહિલ રહે. લખીગામ તેમજ (૪) પ્રવીણ જીતુ ગોહિલ રહે. લખીગામ અને (૫) ફાતમાં બીબી શબ્બીર તાઈ રહે. મદીના પાર્ક નાઓને ઝડપી પાડી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હતો તે તમામ દિશાઓમાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથધરી છે.મહત્વનું છે કે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મોસમ જામી છે તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં દારૂની નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા એક માસમાં પોલીસ વિભાગે વિવિધ સ્થળેથી ઝડપેલાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂના મસમોટા જથ્થાઓ ઉપરથી કહી શકાય તેમ છે.
સાથે જ બુટલેગરો પણ કાયદાના ખોફ વિના ગુજરાતમાં અને છેક ભરૂચ જિલ્લાના છેવાડે દરિયા કાંઠાના વિસ્તારો સુધી વિદેશી દારૂની ટ્રકો બિંદાસ અંદાજમાં પહોંચાડી રહ્યા છે તે બાબત સૂચવે છે કે રાજ્યના તમામ ચેક પોસ્ટ ઉપર પોલીસ વિભાગની સતર્કતા માત્ર નામની હોય તેમ આ ઘટનાઓ ઉપરથી પુરવાર થાય છે.બુટલેગરો કેટલી હદે બેફામ છે તેનું ઉત્તમ ઉદાહરણ ગઈકાલે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલી પાસે ઉભા રહીને વિદેશી દારૂનો વેપલો કરતા પ્રતીક નામના બુટલેગરનો વીડિયો વાયરલ થયો જેમાં તે સ્પષ્ટ રૂપે બોલી રહ્યો હતો કે ગણપત સિંહ નામનો પોલીસ કર્મી એસ.પી સહિતના અધિકારીઓના નામે હપ્તા લઈ જાય છે જે મામલા અંગેનો વીડિયો સામે આવતા લોકોમાં તો ખળભળાટ મચ્યો જ છે સાથે પોલીસ વિભાગની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે.