અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી રિતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.અંકલેશ્વરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, એવામાં ગતરોજ રાત્રિના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રિતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાર હતી કે આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા.આગની ઘટના બનતાં જ લોકોનાં ટોળાં પણ ઊમટી પડ્યાં હતાં. આ સમયે વધુ એક બ્લાસ્ટ થતાં જ ત્યાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતાં અંકલેશ્વર, પાનોલી સહિત 10 ફાયરબ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક લાયબંબા લઇ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમતે આગની જ્વાળાઓ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ઘટના બનતાં જ GPCB અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ:અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોડીરાત્રે રિતુ ફાર્મા કંપનીની ફેક્ટરી આગમાં લપેટાઈ
Views: 100
Read Time:1 Minute, 56 Second