પાલેજ જિલ્લા પંચાયતની બેઠક પર સતત ત્રણ વાર ચૂંટણી જીતનાર દંપતી એ રાજીનામું ધરી દીધું, મકબૂલભાઈ અભલી 2 વાર પાલેજ જિલ્લા પંચાયત જીત્યા હતા તેમજ તેમના પત્ની મરિયમ બેન અભલી એક વાર જિલ્લા પંચાયત જીત્યા હતા
ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, જેને લઇ વિવિધ રાજકીય પક્ષો એક તરફ સંગઠનને મજબૂત કરવામાં લાગ્યા છે તો બીજી તરફ નેતાઓની નારાજગીઓ પણ સામે આવી રહી છે, એમાં પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં તો એક સાંધે અને તેર તૂટે તેવી નોબત આવી છે, ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના હોદ્દેદારો એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે, કોંગ્રેસનું આંતરીક ઘમાસાણ હવે સોશિયલ મિડિયા થકી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
કોંગ્રેસ કિશાન સંઘના અગ્રણી યાકુબ ગુરજી એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામે મોરચો માંડી જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણાને કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા ફરી રિપીટ કરાતાની સાથે જ રાજીનામું ધરી દીધી હતું તો બીજી તરફ કોંગ્રેસ કિશાન સંઘનાં અગ્રણી માવસંગ પરમાર, તેમજ વાગરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી અને હોદ્દેદારો ઇશાક રાજ, મકબુલ અભલી, મરિયમ બેન અભલી, મહંમદ અલી પટેલ, સહિતના નેતાઓએ પણ રાજીનામા ધરી દીધા હોવાની માહિતી સોશિયલ મિડિયા થકી સામે આવી રહી છે.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલ સિંહ રણાની ભૂતકાળમાં પક્ષ પ્રત્યેની કામગીરીથી ના ખુશ થઇ આ તમામ હોદ્દેદારો એ રાજીનામા આપ્યા હોવાનું પ્રાથમિક સૂત્ર પાસેથી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે, તેવામાં હવે જોવું રહ્યું કે કોંગ્રેસનું આંતરિક ઘમાસાણને શાંત પાડવા હવે ક્યાં ચાણક્ય મેદાનમાં આવે છે જોકે હાલ તો વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પછી લડશે પરંતુ પક્ષનાં જ લોકો સામે હાલ તો કોંગ્રેસનું ગૃહ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, કોંગ્રેસના આ ગૃહ યુદ્ધનો દોર નવું નથી. ભૂતકાળમાં પણ અનેક ચૂંટણીઓ પહેલા આ પ્રકારની બાબતો પાર્ટી સમક્ષ આવી ચૂકી છે સાથે જ મર્હુમ અહેમદ પટેલે તો જાહેરસભામાં સ્ટેજ ઉપરથી કહેવું પડ્યું હતું કે કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવે છે, તેવી નીતિ વર્તમાન સમયમાં આગામી ચૂંટણીઓ પહેલા સાથર્ક થવા જઇ રહી હોય તેમ હાલ ચાલી રહેલા ભરૂચ કોંગ્રેસના આંતરીક વિવાદ ઉપરથી લોકો વચ્ચે સમગ્ર બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.