અંકલેશ્વરના કાપોદ્રામાં 7 યુવાનોએ એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યા કરી , એક વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની રીસ રાખી કર્યુ કૃત્ય
સૂત્રોના અનુસાર અંકલેશ્વરના મૂળ રવિદ્રા ગામનો રહેવાસી અને કાપોદ્રા ગામે ભાડાના મકાનમાં રહી નોકરી કરતો યુવાન સંજય શાંતીલાલ વસાવા નોકરી પરથી આવી ઘરે જમીને બેઠો હતો . ત્યારે અચાનક ગામના જ 7 જેટલા લોકોએ ભેગા મળી સંજયના ઘરે ધસી આવી સંજય સાથે 1 વર્ષ પૂર્વે એક યુવતી બાબતે થયેલા ઝઘડાની રીસ રાખીને ફરી બોલાચાલી કરી હતી .
આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સાતેય લોકોએ ભેગા મળી ઉશ્કેરાઇ જઈને સંજય કંઇ સમજે તે પહેલા જ તેના માથામાં ઇંટ મારી હતી . આ સાથે જ તે લોકોએ તેને ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝિંકી દીધા હતા . ત્યારબાદ સંજયને ઘરની બહાર ફેંકી સંજયના પરિવારજનોને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા . આ ઘટનામાં સંજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો , જ્યાં હાજર તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો . ત્યારે હાલમાં સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .