સુરત શહેરના કામરેજ વિસ્તારમાં એક શખ્સ સામે છેતરપિંડીનો ગુનો દાખલ નહી કરવા અને ગુનાના કામમાં બલેનો ગાડી નહી બતાવવા માટે આરોપી પાસેથી કામરેજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જયેશ જયંતિ નીરજની, પો. કો. અલ્પેશ મોતી દેસાઈ અને દિપક હરગોવિંદ દેસાઈ નામનાં પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે લાંચ પેઠે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ત્યારબાદ પોલીસકર્મીઓ અને આરોપી શખ્સની થયેલી વાતચીતમાં છેલ્લે ત્રણ લાખ રૂપિયામાં સેટલમેન્ટ નક્કી કરવામાં આવ્યું હતું.જે રકમ નક્કી કરવામાં આવી હતી તેમા પહેલા 13સપ્ટેમ્બરના રોજ જમવાની ટિફિન આપવાઆવે ત્યારે 1.20 લાખ અને બીજા દિવસે બાકીના રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
પરંતુ આરોપી શખ્સ લાંચ આપવા માંગતા ન હોય તેમણે લાંચિયા પોલીસકર્મિયો વિરૃદ્ધ સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ આપી હતી. જેથી ફરિયાદના આધારે 13મી સપ્ટેમ્બરના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ લાંચિયા પોલીસકર્મિયોને છટકાની કોઈપણ પ્રકારે જાણ થઈ જતા તેમણે લાંચની રકમ સ્વીકારી ન હતી. આથી લાંચનું છટકું નિષ્ફળ જતા સુરત ગ્રામ્ય એસીબી દ્વારા પોલીસકર્મિયો વિરૃદ્ધ છુપી રીતે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
સુરત ગ્રામ્ય એસીબી દ્વારા ત્રણ માસ સુધી તપાસ ચાલુ રાખતા તપાસ દરમ્યાન લાંચિયા પોલીસકર્મીઓ વિરુદ્ધ એકત્રિત થયેલ દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, સંયોગીક પુરાવાના આધારે લાંચની માંગણી કરનારા પોલીસકર્મીઓ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. એસીબીની તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે પોલીસકર્મીઓ દ્વારા આરોપી શખ્સના ભાઈને ગેરકાયદેસર રીતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. આ ઉપરાંત કામરેજ પોલીસ સ્ટેશનનાં હેડ. કોન્સ. કુલદીપ ગંભીરદાન બારહટના કહેવાથી આરોપીના ભાઈને પો. કો. દિપક હરગોવિંદ દેસાઈ, જયદીપસિંહ ચૌહાણ, અને સાગરભાઈ ફોર્ચ્યુનેર કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં ચોકાવનારી વિગત એસીબીના તપાસે હાથ લાગી હતી કે સમગ્ર મામલે કામરેજના પીઆઈ જે. બી. વનારની પણ સીધી સંડોવણી છે. જેથી સુરત ગ્રામ્ય એસીબી દ્વારા સમગ્ર લાંચની માંગણીમા સંડોવાયેલ કામરેજ પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે. બી. વનાર, એએસઆઇ સરદાર ધીરાભાઈ ભગોરા, એએસઆઇ ચંદાબેન વસાવા, એએસઆઇ સુશીલા જયંતભાઈ રાવલ, હેડ. કોન્સ. કુલદીપદાન ગંભીરદાન બારહટ, પો. કો. દિપક હરગોવિંદ દેસાઈ, જયદીપસિંહ ચૌહાણ, જયેશ જયંતિ નીરજની, અલ્પેશ મોતી દેસાઈ,અને જીઆરડી જવાન સાગર ભગવાન રાડદિયાની સામે લાંચ ખંડણી માંગવાનો ગુનો નોંધાયો છે.