ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ બંધી નાબુદી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સોશિયલ મીડિયામાં દારૂ બંધી નાબુદી વિષયક અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે આજ રોજ ગાંધી જયંતીના દિવસે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. કેટલાક લોકો દારૂબંધી નાબુદીની વાતો કરી રહ્યા છે. દારૂ બંધી નાબુદ કરવાથી સરકાર ને કરોડો રૂપિયાની આવક થાય રાજ્યનો વિકાસ થાય પરંતુ નશાબંધી માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.