ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત બહાર કાઢ્યા /ભરૂચ :લોકડાઉન બાદ હાલ ગુજરાતના ઠેકઠેકાણે વરસેલા વરસાદમાં ગુજરાત પોલીસની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. ત્યારે વધુ એક માનવતાનો કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે. ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત બહાર કાઢ્યા હતા. 1/3
નર્મદાના કાંઠાના અનેક ગામોએ જળસમાધિ લીધી
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે અને ડેમમાંથી સતત છોડાઈ રહેલ પાણીના કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયુ છે. કેટલાયે ગામોએ નર્મદાના પૂરમાં જળ સમાધિ લીધી છે. ત્યારે નબીપુરના પીએસઆઇ અમીરાજસિંહ રણા તેમજ તેઓના પોલીસ સ્ટાફ દ્વારા કડોદ ગામે પાણીમાં કેટલાક નાના બાળકો તથા મોટેરા એમ મળીને કુલ 19 જણાને બચાવ્યા હતા.
ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
કબીરવડથી બોટ લઇને પોલીસ માણસો સાથે કડોદ ગામે ફસાયેલા લોકોને બહાર લઈ આવીને તેઓને સુરક્ષિત જગ્યાએ પહોચાડવાની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા પણ રાજપારડીના પોલીસ મથકના અધિકારી જયદીપસિંહ જાદવ અને અંકલેશ્વરના ટીડીઓ રજનીકાંત માનીયાએ પણ પૂરમાં ફસાયેલા માણસોનું પોતાના જીવના જોખમે એનડીઆરએફની સાથે રહી રેસ્ક્યુ કર્યું હતું. સ્ટાફે નાના બાળકોને પોતાના ખભે ઊપાડી બહાર નીકળ્યા હતા