ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું. જોકે રૂપાલાનું પૂતળાદહન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે. એમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માગ પણ અડગ છે. પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહ સભામાં રજવાડાંને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે.આજ રોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજનાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેકંટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં, જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર એન.એમ. ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવા જતાં પોલીસે જોઈ જતાં પીઆઈ સહિતના અધિકારી-આગેવાનોમાં દોડધામ સાથે પૂતળાની ખેંચતાણનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. જોકે પોલીસે પૂતળાને પોતાના કબજામાં લઈને પૂતળાદહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.આ સભામાં તેમણે કહ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયાં હતાં. આજે હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. તેઓ તેમની તલવાર આગળ પણ નહોંતા ઝૂક્યા. પુરુષોત્તમ રૂપાલાના આવા વિવાદાસ્પદ નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં રૂપાલાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. તો સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામોમાં તો હવે ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીનાં બેનર પણ લગાવવામાં આવી રહ્યાં છે.